Friday 8 April 2022

વર્ષા વરસે, વર્ષા ગરજે....

  વર્ષા વરસે, વર્ષા ગરજે....

વર્ષા વરસે, વર્ષા વરસે,

વર્ષા ગરજે, વર્ષા ગરજે

દુનિયા આખી, હર્ષે હરખે...    વર્ષા...

આભે કાળાં જામ્યાં વાદળ

દોડે હવા સંગ એ દડદડ

વૃક્ષો પર એ જઈને પડશે...      વર્ષા...

ઝબૂક કરી ચમકારો થાતો

ધરા ઉપર ધમકારો થાતો

જાણે આભ ધરા પર તૂટશે...     વર્ષા...

ડ્રાંઉ ડ્રાંઉ મેઢકજી બોલે

પંખી-મોર-પપીહા બોલે

તોય વર્ષા જરાય ન ડરશે...

ધરા ને જળથી તરબોળ કરશે     વર્ષા...

સૂકી ધરાને લીલુડી કરશે

જો વર્ષા રૂમીઝુમીને પડશે...   વર્ષા...

પેપર-પસ્તીની હોડી બનશે

ઠુમ્મક ઠુમ્મક એ પણ તરશે

છગન-મગન છબછબિયાં કરશે...    વર્ષા...

થાશે ભૂલકાં આનંદવિભોર

પલળીને કરશે ખૂબ શોરબકોર

જો વર્ષા મન મૂકીને વરસે

વર્ષા વરસે-વર્ષા વરસે....       વર્ષા...


ઓલી વર્ષાની વાદળી વરસી જાને

 ઓલી વર્ષાની વાદળી વરસી જાને

 ઓલી વર્ષાની વાદળી વરસી જાને

ઉભા ઉભા ખેડુ જુએ તારી વાટડી

શાને વાર કરે છે તું આટલી

એના ખેતરીયા લીલાછમ કરતી જાને…ઓલી….

નદી નાળા સુકાયા, સરોવર સુકાયા

પાણી વિનાના માનવી મૂંઝાયા

નદી નાળા સરોવર છલકાવી જાને... ઓલી…

ચાંચ ઉઘાડી બેઠા છે ચાતહો

પાણી પાણી પોહરે છે બાળકો

જરા ઝીણા ઝરમરીયા કરતી તું જાને…ઓલી….

તારે મેહુલિયા કરવા તોફાન

  તારે મેહુલિયા કરવા તોફાન

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકોના જાય છે જાન
મંડ્યો તે મંડ્યો મુશળધાર
કેમ કરી મારે જાવું નિશાળ... તારે…
ચંપલ મારી છબ છબ થાય
ધોયેલી લેંઘી મારી બગડી જાય 
કેળાના છોતરાંથી લપસી જવાય
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રીનો કાગડો થાય… તારે…

Wednesday 6 April 2022

તને ઓળખું છું માં !

તને ઓળખું છું માં !

કવિ – મનોહર રતિલાલ ત્રિવેદી

તને ઓળખું છું, માં ! તને ઓળખું છું માં !

સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે

પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે

કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, માં !

– મનોહર રતિલાલ ત્રિવેદી 

વળાવી બા આવી

 વળાવી બા આવી

કવિ નટવરભાઇ કુબેરદાસ પંડયા  'ઉશનશ'

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહીં

દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની

વસેલા  ધંધાર્થે   દૂરસુદૂર  સંતાન નિજનાં

જવાના કાલે તો જનકજનની  ને  ઘરતણાં

સદાનાં  ગંગાસ્વરૂપ  ઘરડાં  ફોઈ   સહુએ

લખાયેલો કર્મે  વિરહ  મિલને  તે રજનીએ

નિહાળ્યો સૌ વચ્ચે  નિયત કરી નિજ જગા

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા

ગઈ અર્ધી વસ્તી  ઘર થઈ ગયું શાંત સઘળું

બપોરે બે ભાઈ  અવર ઉપડ્યાં લેઈ નિજની

નવોઢા  ભાર્યાઓ  પ્રિયવચન  મંદસ્મિતવતી

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ

ગૃહવ્યાપી  જોયો  વિરહ પડી બેસી પગથિયે

                    કવિ નટવરભાઇ કુબેરદાસ પંડયા  'ઉશનશ'


આંધળી માનો કાગળ

 આંધળી માનો કાગળ

 કવિ ઇંદુલાલ ગાંધી

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે;ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !

સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પ્હેરેપાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !

કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.

                                               કવિ ઇંદુલાલ ગાંધી


મીઠલડી તું ,મા !

 મીઠલડી તું ,મા !

ચંદનની શીતળતા મા, તારે ખોળલે

ને આંખોમાં ઝરમરની પ્રીત

હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર્ને

કોયલ શું મીઠું તવ ગીત-

મીઠલડી ,હેતાળી,ગરવી તું મા !

                                   કવિ શિવકુમાર નાકર 


બાના સમું....

 બાના સમું....

કવિ ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,

સામે અષાઢઘન હોય,

ફણગો ફૂટે અડકતાં જ

ભીની-ભીની પવન હોય,

બોલાવે ઘેર સાંજે

બાના સમું સ્વજન હોય.

                                   કવિ ઉશનસ્   


ગોદ માતાની ક્યાં ?

 ગોદ માતાની ક્યાં ?

 કવિ ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

છત મળશે ને છત્તર મળશે ,  ગોદ માતની કયાં ?

શયન ખંડ ને શચ્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે, રાહત  માની કયાં ?

ચાંદ, સૂરજ ને તારા મળશે,  આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માની કયાં ?

સૂર,તાલ ને સંગીત મળશે, ટહૂકો માનો કયાં ?

હાજર ,હાથ હજાર હોય,પણ  છાતી માની કયાં ?

બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?

ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

                                      કવિ ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ


તીર્થોત્તમ

તીર્થોત્તમ

કવિ બાલમુકુન્દ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,

પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ

ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;

વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં

શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !

અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,

વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે

વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં

ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-

ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી

ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !

મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

                                                   કવિ બાલમુકુન્દ દવે