Showing posts with label માતૃપ્રેમના ગીતો. Show all posts
Showing posts with label માતૃપ્રેમના ગીતો. Show all posts

Wednesday 6 April 2022

તને ઓળખું છું માં !

તને ઓળખું છું માં !

કવિ – મનોહર રતિલાલ ત્રિવેદી

તને ઓળખું છું, માં ! તને ઓળખું છું માં !

સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે

પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે

કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, માં !

– મનોહર રતિલાલ ત્રિવેદી 

વળાવી બા આવી

 વળાવી બા આવી

કવિ નટવરભાઇ કુબેરદાસ પંડયા  'ઉશનશ'

રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘરમહીં

દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની

વસેલા  ધંધાર્થે   દૂરસુદૂર  સંતાન નિજનાં

જવાના કાલે તો જનકજનની  ને  ઘરતણાં

સદાનાં  ગંગાસ્વરૂપ  ઘરડાં  ફોઈ   સહુએ

લખાયેલો કર્મે  વિરહ  મિલને  તે રજનીએ

નિહાળ્યો સૌ વચ્ચે  નિયત કરી નિજ જગા

ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં

સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા

ગઈ અર્ધી વસ્તી  ઘર થઈ ગયું શાંત સઘળું

બપોરે બે ભાઈ  અવર ઉપડ્યાં લેઈ નિજની

નવોઢા  ભાર્યાઓ  પ્રિયવચન  મંદસ્મિતવતી

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ

ગૃહવ્યાપી  જોયો  વિરહ પડી બેસી પગથિયે

                    કવિ નટવરભાઇ કુબેરદાસ પંડયા  'ઉશનશ'


આંધળી માનો કાગળ

 આંધળી માનો કાગળ

 કવિ ઇંદુલાલ ગાંધી

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,

પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,

ગગો એનો મુંબઇ કામે;ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ

કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !

સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,

દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પ્હેરેપાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !

કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,

જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,

તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,

આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.

હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.

                                               કવિ ઇંદુલાલ ગાંધી


મીઠલડી તું ,મા !

 મીઠલડી તું ,મા !

ચંદનની શીતળતા મા, તારે ખોળલે

ને આંખોમાં ઝરમરની પ્રીત

હાલરડે ઘૂઘવતા સાત સાત સમંદર્ને

કોયલ શું મીઠું તવ ગીત-

મીઠલડી ,હેતાળી,ગરવી તું મા !

                                   કવિ શિવકુમાર નાકર 


બાના સમું....

 બાના સમું....

કવિ ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય,

સામે અષાઢઘન હોય,

ફણગો ફૂટે અડકતાં જ

ભીની-ભીની પવન હોય,

બોલાવે ઘેર સાંજે

બાના સમું સ્વજન હોય.

                                   કવિ ઉશનસ્   


ગોદ માતાની ક્યાં ?

 ગોદ માતાની ક્યાં ?

 કવિ ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ

છત મળશે ને છત્તર મળશે ,  ગોદ માતની કયાં ?

શયન ખંડ ને શચ્યા મળશે, સોડ માતની કયાં ?

રસ્તો મળશે, રાહી મળશે, રાહત  માની કયાં ?

ચાંદ, સૂરજ ને તારા મળશે,  આંખો માની કયાં ?

પલ્લવ ને પુષ્પો તો મળશે, પાલવ માની કયાં ?

સૂર,તાલ ને સંગીત મળશે, ટહૂકો માનો કયાં ?

હાજર ,હાથ હજાર હોય,પણ  છાતી માની કયાં ?

બારે ઊમટે મેહ,હેતની હેલી માની કયાં ?

ભર્યા ઉનાળે પરબ સરીખી છાયા માની કયાં ?

ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની કયાં ?

                                      કવિ ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ


તીર્થોત્તમ

તીર્થોત્તમ

કવિ બાલમુકુન્દ દવે

ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,

પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ

ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયા;

વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.

છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં

શકે મારી છીપી ચરમ મનીષા તું દરશની !

અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,

વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !

અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે

વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં

ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-

ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી

ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !

મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

                                                   કવિ બાલમુકુન્દ દવે

 

તને કેમ વિસારું મા?

તને કેમ વિસારું મા?  

 કવિ  તુષાર શુક્લ

તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી

આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી

મા, તું કદીય થાકતી ના

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું

તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું

કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ

અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ

ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું

‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું

મુખથી કદી કહે ના: જા

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ

આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ

તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા

હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

                                          કવિ  તુષાર શુક્લ


મા મને કોઈ દી સાંભરે

મા મને કોઈ દી સાંભરે

કવિ ઝવેરચંદ મેઘાણી  


કેવી હશે ?
કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય ,
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય,
મા જાણે હીંચકોરતી વઈ ગઈ.
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….  
                                                      કવિ ઝવેરચંદ મેઘાણી  

મા તુજ જીવનના અજવાળે, મુજ જીવનને અજવાળું

 મા તુજ જીવનના અજવાળે  મુજ જીવનને અજવાળું

કવિ - ડો. દિનેશ શાહ

 મા તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું

અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું

રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું

જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું

મા તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા

રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા

છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા

આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા

મા તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી

રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી

હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી

મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી

મા તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું

અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું

એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ

પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું

મા તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

– ડો. દિનેશ શાહ


બા તું જ છો જ્યોતિધામ

 બા તું જ છો જ્યોતિધામ

કવિ - કરશનદાસ માણેક

 (મંદાક્રાન્તા)

  મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં

  ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં

  અંધારામાં  દ્યુતિ કિરણ  એકાર્ધ  યે  પામવાને

  મંદિરોનાં પથ્થર  પૂતળાં  ખૂબ  ઢંઢોળી જોયાં

  સન્તો  કેરા  કરગરી  કરી પાદ પ્રક્ષાલી જોયાં

  એકાન્તોના  મશહુર  ધનાગાર  ઉઘાડી  જોયાં

  ઊંડે  ઊંડે  નિજ મહીં સર્યો  તેજકણ કામવાને

  વિશ્વે વન્દ્યા અન્ય સકલ ભંડાર મેં ખોલી જોયાં

  ને આ  સર્વે ગડમથલ  નિહાળતાં  નેણ તારાં

  વર્ષાવતાં  મુજ   ઉપર  વાત્સલ્ય પીયૂષધારા

  તેમાં  ન્હોતો  રજપણ  મને  ખેંચવાનો પ્રયાસ

  ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો  લેશ  ભાસ

  જ્યોતિ  લાધે  શિશુને  ફક્ત  એટલી   ઉરકામ

  મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ

–કરસનદાસ માણેક


દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

 દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે. 

 કવિ – અનિલ ચાવડા

દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.

સ્હેજ અડતાંમાં જ દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,

મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.

આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,

મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.

ઠેસ બાળકને કદી ક્યાંયે ન વાગે એટલા માટે,

મા સદા ચોખ્ખી જ ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.

જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,

મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,

મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.

– અનિલ ચાવડા


તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !

 તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !

 તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !

એક મીઠું આંગણે સરવર હતું, મા !

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,

એક માથે વાદળું ઝરમર હતું, મા !

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,

એમ લાગે ખોરડું પગભર હતું, મા !

યાતના વચ્ચે મલકતું ને હરખતું,

એ વદન હેતાળ ને મનહર હતું, મા !

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,

તારું બસ હોવાપણું સરભર હતું, મા !

– રતિલાલ સોલંકી


Tuesday 5 April 2022

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

 હતો હું સૂતો પારણે પુત્ર નાનો

કવિ - દલપતરામ

હતો હું  સૂતો  પારણે પુત્ર નાનો

રડું  છેક તો રાખતું  કોણ છાનો

મને દુખી દેખી  દુખી કોણ થાતું

મહા હેતવાળી  દયાળી જ મા તું

સૂકામાં  સુવાડે  ભીને પોઢી પોતે

પીડા પામું  પંડે તજે સ્વાદ તો તે

મને  સુખ  માટે  કટુ  કોણ ખાતું

મહા હેતવાળી  દયાળી જ મા તું

લઈ છાતી સાથે  બચી કોણ લેતું

તજી  તાજું ખાજું  મને કોણ દેતું

મને કોણ  મીઠા  મુખે ગીત ગાતું

મહા હેતવાળી  દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે  પાંપણે   પ્રેમનાં  પૂર  પાણી

પછી  કોણ પોતા તણું  દૂધ પાતું

મહા હેતવાળી  દયાળી જ મા તું

    -  કવિ દલપતરામ

જનની

 મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે,

                          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ (2)

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,

જગથી જુદેરી એની જાત રે.

                          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

અમી ભરેલી એની આંખડી રે લોલ,

વ્હાલના ભરેલ એના વેણ રે.

                            જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,

હૈયું હેમંત કેરી હેલ રે.

                          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

દેવોને દુધ એના દોહલા રે લોલ,

શશીએ સીંચેલ એની સોડ રે.

                          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

જગનો આધાર એની આંગળી રે લોલ,

કાળજામાં કૈક ભર્યા કોડ રે.

                         જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ,

પળના બાંધેલ એના પ્રાણ રે.

                        જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,

લેતા ખૂટે ન એની લ્હાણ રે.

                        જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ,

અચળા અચૂક એક માય રે.

                       જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

ગંગાના નીર તો વધે ઘટે રે લોલ,

સરખો એ પ્રેમનો પ્રવાહ રે.

                    જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,

માડીનો મેઘ બારે માસ રે.

                   જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.

ચડતી ચંદાની દીસે ચાંદની રે લોલ,

એનો નહિ આથમે ઉજાસ રે.

                  જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.