Monday, 11 April 2022

બેનનું હાલરડું

 હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં


બેની મારી  છે ડાહી, પાટલે બેસીને નાહી

પાટલો   ગયો  ખસી,  બેની  પડી  હસી

હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં


બેની   મારી   છે   લાડકી

લાવો સાકર ઘીની  વાડકી

ખાશે સાકર ઘી મારી બેની

ચાટશે વાડકી  મ્યાંઉ મીની

હાલાં રે વાલા મારી બેનડીને, હાં...હાં...હાં...હાં


ભાઇનું હાલરડું

 હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં


ભઈલો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો

પાટલો ગયો ખસી, ભઈલો પડ્યો હસી

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં


ભાઈ મારો  છે  સાગનો સોટો

આવતી વહુનો  ચોટલો મોટો

ભાઈ    મારો   છે  વણઝારો

એને શેર સોનું લઈ શણગારો

હાલાં રે વાલા મારા ભઈલાને, હાં...હાં...હાં...હાં


શિવાજીનું હાલરડું

 આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત

માતાજીને મુખ જે દીથી,

ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –

કાલે કાળાં જુદ્ધ ખેલાશે :

સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –

રહેશે નહીં, રણઘેલુડા !

ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –

કાયા તારી લોહીમાં ન્હાશે :

ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –

તે દી તારે હાથ રહેવાની

રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –

તે દી તારાં મોઢડાં માથે

ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –

તે દી તારી વીરપથારી

પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –

જાગી વ્હેલો આવ, બાલુડા !

માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !

ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે

માતા જીજાબાઇ ઝુલાવે.

બાળુડાને માત હીંચોળે

ધણણણ ડુંગરા બોલે.


તમે મારાં દેવનાં દીધેલ છો

 તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;

મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,

આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,

પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,

હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;

પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;

બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ

બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..

– ઝવેરચંદ મેઘાણી


દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે

 દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે

 દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.

દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,

કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,

આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.

દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,

છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,

સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.

દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,

લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,

આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.

દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,

શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,

રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,

વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.

દીકરો મારો લાડકવાયો…..


Friday, 8 April 2022

આવો મેહુલિયા, આવો મેહુલિયા

આવો મેહુલિયા, આવો મેહુલિયા

 ધરતી પોકારતી, ધરતી પોકારતી

આવો મેહુલિયા, આવો મેહુલિયા

આવીને અમને ભીંજાવો મેહુલિયા…. ધરતી….

તારી તે વાટ જોઈ, તારી તે વાટ જોઈ

પંખી તલસતાં, પંખી તલસતાં

પંખીની પાંખો પલાળો મેહુલિયા…. ધરતી….

તારી તે મીટ માંડી, તારી તે મીટ માંડી

ઢોરો ટગરતાં, ઢોરો ટગરતાં

ઢોરોની ભૂખ ભાંગો મેહુલિયા…. ધરતી….

ઝાંઝવાના જળ જોઈ, ઝાંઝવાના જળ જોઈ

હરણાઓ દોડતા, હરણાઓ દોડતા

હરણાંની તરસ્યું છિપાવો મેહુલિયા…. ધરતી….

તારું તે ધ્યાન ધરી, તારું તે ધ્યાન ધરી
ઉભા ખેડૂતો, ઉભા ખેડૂતો
ખેડૂતોના ખેતરો રેલાવો મેહુલિયા…. ધરતી….

વર્ષા વરસે, વર્ષા ગરજે....

  વર્ષા વરસે, વર્ષા ગરજે....

વર્ષા વરસે, વર્ષા વરસે,

વર્ષા ગરજે, વર્ષા ગરજે

દુનિયા આખી, હર્ષે હરખે...    વર્ષા...

આભે કાળાં જામ્યાં વાદળ

દોડે હવા સંગ એ દડદડ

વૃક્ષો પર એ જઈને પડશે...      વર્ષા...

ઝબૂક કરી ચમકારો થાતો

ધરા ઉપર ધમકારો થાતો

જાણે આભ ધરા પર તૂટશે...     વર્ષા...

ડ્રાંઉ ડ્રાંઉ મેઢકજી બોલે

પંખી-મોર-પપીહા બોલે

તોય વર્ષા જરાય ન ડરશે...

ધરા ને જળથી તરબોળ કરશે     વર્ષા...

સૂકી ધરાને લીલુડી કરશે

જો વર્ષા રૂમીઝુમીને પડશે...   વર્ષા...

પેપર-પસ્તીની હોડી બનશે

ઠુમ્મક ઠુમ્મક એ પણ તરશે

છગન-મગન છબછબિયાં કરશે...    વર્ષા...

થાશે ભૂલકાં આનંદવિભોર

પલળીને કરશે ખૂબ શોરબકોર

જો વર્ષા મન મૂકીને વરસે

વર્ષા વરસે-વર્ષા વરસે....       વર્ષા...


ઓલી વર્ષાની વાદળી વરસી જાને

 ઓલી વર્ષાની વાદળી વરસી જાને

 ઓલી વર્ષાની વાદળી વરસી જાને

ઉભા ઉભા ખેડુ જુએ તારી વાટડી

શાને વાર કરે છે તું આટલી

એના ખેતરીયા લીલાછમ કરતી જાને…ઓલી….

નદી નાળા સુકાયા, સરોવર સુકાયા

પાણી વિનાના માનવી મૂંઝાયા

નદી નાળા સરોવર છલકાવી જાને... ઓલી…

ચાંચ ઉઘાડી બેઠા છે ચાતહો

પાણી પાણી પોહરે છે બાળકો

જરા ઝીણા ઝરમરીયા કરતી તું જાને…ઓલી….

તારે મેહુલિયા કરવા તોફાન

  તારે મેહુલિયા કરવા તોફાન

તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકોના જાય છે જાન
મંડ્યો તે મંડ્યો મુશળધાર
કેમ કરી મારે જાવું નિશાળ... તારે…
ચંપલ મારી છબ છબ થાય
ધોયેલી લેંઘી મારી બગડી જાય 
કેળાના છોતરાંથી લપસી જવાય
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રીનો કાગડો થાય… તારે…

Wednesday, 6 April 2022

તને ઓળખું છું માં !

તને ઓળખું છું માં !

કવિ – મનોહર રતિલાલ ત્રિવેદી

તને ઓળખું છું, માં ! તને ઓળખું છું માં !

સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે, ખમ્મા !

ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,

મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….

તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે

પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે

દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે

કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?

સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….

તને ઓળખું છું, માં !

– મનોહર રતિલાલ ત્રિવેદી