Sunday, 3 April 2022

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

 અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

કવિ - ભગવતી કુમાર શર્મા

 અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,

બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

ચાર અક્ષરના ધોધમારમાં છ્લબલ આપણાં ફળિયાં;

આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,

અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળુ ગમે,

ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!

- ભગવતી કુમાર શર્મા

વાદલડી વરસી રે

 વાદલડી વરસી રે 

લોકગીત

 વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

હે સાસરિયામાં મ્હાલવું રે

પિયરીયામાં છૂટથી રે

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા પગ કેરાં કડલાં રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે

વીરો મારો લેવા હાલ્યો

હે વીરા લઇને વેલો આવજે રે

સાસરિયા મારા ઘેરે બેઠા

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

હવે સાસરિયે જાવું રે

પિયરીયામાં મહાલી રહ્યાં

હે વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં


ઝરમર વરસે

 ઝરમર વરસે 

કવિ – યોગેશ જોષી

ઝરમર વરસે ઝીણી !

થાય મને કે લઉં પાંપણથી વીણી.

વર્ષાની ધારાઓ સાથે આભ પીગળતું ચાલે;

ધણ વાદળનાં વીજ-ચાબખે પવન હાંકતો ચાલે !

માટીમાંથી સુગંધ ફોરતી ભીની,

ઝરમર વરસે ઝીણી !

ઘેરાયા આ મેઘની વચ્ચે રહી રહી ઢોલ ઢબૂકે,

હૈયામાં ગૌરંભા વચ્ચે રહી રહી વીજ ઝબૂકે !

રોમે રોમે અગન ઊઠે છે તીણી,

ઝરમર વરસે ઝીણી !

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી

 ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી 

કવિ - ડો. દિનેશ શાહ

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી

વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.

વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી

જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી

તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.

વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી

સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી

તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.

વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી

વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી

મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.

વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી

અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી

એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.

વરસ્યા શ્રાવણનાં પાણી

મેહુલો ગાજે ને માધવ નાચે

 મેહુલો ગાજે ને માધવ નાચે 

કવિ -  નરસિંહ મહેતા

મેહુલો ગાજે ને માધવ નાચે

રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,

તાલ પખાજ વજાડે રે ગોપી,

વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,

ઓઢણ આછી લોબરડી રે;

દાદુર, મોર, બપૈયા બોલે,

મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,

ધન્ય વૃંદાવનમાં અવતાર રે;

ધન્ય નરસૈયાની જીભલડીને,

જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….


-નરસિંહ મહેતા


આષાઢી સાંજનાં અંબર ગાજે

 આષાઢી  સાંજનાં  અંબર  ગાજે  

કવિ - ઝવેરચંદ મેઘાણી

આષાઢી  સાંજનાં  અંબર  ગાજે 

અંબર  ગાજે,   મેઘાડંબર ગાજે!

માતેલા  મોરલાના   ટૌકા  બોલે

ટૌકા  બોલે,  ધીરી  ઢેલડ  ડોલે

ગરવા  ગોવાળિયાના પાવા વાગે

પાવા વાગે,  સૂતી  ગોપી  જાગે

વીરાની  વાડીઓમાં  અમૃત રેલે

અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

ભાભીની રાતીચોળ ચૂંદડ  ભીંજે

ચૂંદડ  ભીંજે,  ખોળે  બેટો  રીઝે

આષાઢી  સાંજનાં  અંબર  ગાજે 

અંબર  ગાજે,   મેઘાડંબર ગાજે!

-ઝવેરચંદ મેઘાણી


મન મોર બની થનગાટ કરે

મન મોર બની થનગાટ કરે

કવિ  - ઝવેરચંદ મેઘાણી

મોર બની  થનગાટ  કરે,   મન મોર બની થનગાટ કરે

ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને

બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને

આકુલ પ્રાણ કોને કલસાદ કરે

મન મોર બની થનગાટ કરે

ઘર   ઘરર   ઘરર   મેઘઘટા   ગગને   ગગને   ગરજાટ  ભરે

ગુમરી ગુમરી  ગરજાટ ભરે  નવ ધાન ભરી  સારી  સીમ ઝૂલે

નદીયું  નવજોબન  ભાન ભૂલે  નવ  દીન  કપોતની પાંખ ખૂલે

મધરા   મધરા  મલકાઈને   મેંડક   મેહસું   નેહસું  બાત  કરે

ગગને   ગગને   ઘૂમરાઈને   પાગલ  મેઘઘટા   ગરજાટ   ભરે

મન મોર બની થનગાટ કરે

નવ  મેઘ તણે  નીલ આંજણીએ મારાં  ઘેઘૂર નેન  ઝગાટ કરે

મારાં  લોચનમાં  મદઘેન  ભરે  વનછાંય  તળે  હરિયાળી પરે

મારો આતમ લહેર બિછાત કરે  સચરાચર  શ્યામલ ભાત ધરે

મારો  પ્રાણ  કરી  પુલકાટ  ગયો પથરાઈ  સારી  વનરાઈ પરે

ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન ની…

 - ઝવેરચંદ મેઘાણી

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

 આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

 

આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !


ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,

કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે

કે ભીંજાય મેડીની બેસતલ રાણી

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે

કે ભીંજાય બારીનો બેસતલ સૂબો

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે

ભીંજાય પાતળિયો અસવાર

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !   આભમાં ઝીણી….


તમને વા’લી દરબારી ચાકરી રે,

કે અમને વા’લો તમારો જીવ

ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે ! આભમાં ઝીણી…


ઝીણા ઝરમર વરસે મેહ,

 ઝીણા ઝરમર વરસે મેહ

ન્હાનાલાલ કવિ


 ઝીણા ઝરમર વરસે મેહ,

ભીંજે મારી ચૂંદલડી :

એવો નીતરે કૌમારનો નેહ,

ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,

ભીંજે રસિક કોઈ બાલા રે :

ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,

ભીંજે મારા હૈયાની માલા;

હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,

ટહુકે મયૂર કેરી વેણાં રે :

ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,

ટમકે મારા નાથનાં નેણાં :

હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને

મીઠા મૃદંગ પડછાન્દા રે :

મન્દ મન્દ હેરે મીટડી મયંકની,

હેરો મારા મધુરસચન્દા!

હો! ભીંજે મારી ચૂંદલડી


ન્હાનાલાલ કવિ


ઝીણી ઝરમર વરસી !


ઝીણી ઝરમર વરસી !    

કવિ -  ઉપેન્દ્ર પંડ્યા 

આજ હવામાં હીરાની કંઇ કણીઓ ઝગમઝ વિલસી !

એવી ઝરમર વરસી !

વેણીની વીખરેલી લટ-શી લહરી ચંચલ સરકી,

તરુ તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી ક્યાં લટકી?

ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી !

ઝીણી…

પતંગિયાની પાંખ સમો આ કૂંળો તડકો ચમકે,

મધુમય અંતર આભ તણું શા અભિનવ છંદે મલકે?

કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી.

ઝીણી…

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,

તપ્ત ધરાનાં અંગ અંગને અમરતથી ગઇ પરસી,

ઝીણી ઝરમર વરસી !


– ઉપેન્દ્ર પંડ્યા